મોજે જિયાવ બ્લોક નંબર 246 વાળી સરકારી જગ્યા પર 168 વીંઘા જમીન પર કોલસાનો સંગ્રહ કરવા માટે ગુજરાત સરકારે મેસર્સ કોલકેર ઇન્ફ્રા પ્રા લી નામની ખાનગી કંપનીને જગ્યા ફાળવી આપેલ હતી. જે બાબતે સ્થાનિક લોકો કે વિસ્તારના લોકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ જમીન ફાળવી દેવાયેલ હતી. જે સુરત મહાનગર પાલિકાની મંજૂરી માટે ઠરાવ કરવા માટે મૂકવામાં આવતા લોકોને આ પ્રોજેકટ વિષે વાત ખબર પડી હતી અને આ પ્રોજેકટનો સખત વિરોધ કરવાનુ નક્કી થયેલ હતું.
આ જમીનની 100 મીટરની નજીક દીપલી ગામ આવેલ છે. અને જિયાવ ગામ 200 મીટર જેટલું દૂર હતું. મગદલ્લા પોર્ટ પરથી આવતા કોલસાના સંગ્રહને કારણે કાંઠા વિસ્તારના સચિન મગદલ્લા રોડની બંને બાજુએ ભારે માત્રામાં કોલસો ખાનગી ખેડૂતોના ખેતરની જમીન પર ખુલ્લામાં સંગ્રહ થતો હતો. આ કોલસાનોનો વપરાશ મોટે ભાગે સુરત શહેરની મિલો બળતણ તરીકે કરતી હતી. મોટા પ્રમાણ માં કોલસાના સંગ્રહ અને પરિવહનને લીધે કારણે સ્થાનિક પર્યાવરણ પર ગંભીર અસર થતી હતી અને કોલસાની રજકણ ઉડવાને કારણે આ વિસ્તારના સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસરો થતી હતી. સ્કૂલના બાળકો અને રોડ પરથી પસાર થનાર લોકો પર કાળી મેષ લાગી જતી હતી તેમજ લોકોને દમ અસ્થમા જેવા રોગોનો સામનો કરવો પડતો હતો. આ હયાત પ્રશ્નો દરમિયાન આ કોલ કેર કંપની અહી આ વિસ્તારમાં કોલસાનો ડુંગર બનાવવા માટે જઇ રહી હતી જેને કારણે આખા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.
પરીવર્તન ટ્રસ્ટ દ્વ્રારા આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી આ પ્રદૂષણમાંથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવેલ હતી. અને સંબંધિત ખેડૂતો સામે કાર્યવાહી કરી કોલસાના ઢગલા દૂર કરવાની માંગ કરેલ હતી. સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવતા આંદોલન કરવાની પ્રજાને નાછૂટકે ફરજ પડી હતી.
આ પ્રશ્ન સંદર્ભે પરીવર્તન ટ્રસ્ટ દ્વારા કોલકેર હટાવો આંદોલન શરૂ કરવામાં આવેલ હતું. અને તા 5/10/2011 ના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને સરકારને કોલકેરનો પ્રોજેકટ રદ કરવા માટે જાણ કરવામાં આવેલ હતી. પ્રજાના દબાણને કારણે જિલ્લા કલેક્ટર સાહેબે આ કોલસાના ઢગલાઓ હટાવી લેવા માટે કાર્યવાહી કરેલ હતી અને ખેડૂતોને શરતભંગની નોટિસો આપેલ હતી. જેના કારણે ખેડૂતોએ કોલસાના ઢગલા હટાવી લેવાની ફરજ પડી હતી અને આખા વિસ્તારમાંથી આ કોલસીની રજકણ ઊડવાનું પ્રદૂષણ બંધ થયેલ હતું. આ સાથેજ કોલકેર પ્રોજેકટને પણ સુરત મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી નહીં. આમ સ્થાનિક લોકો એ સાથે મળીને કાંઠા વિસ્તારમાંથી આ પ્રદૂષણ હટાવેલ હતું.

No comments:
Post a Comment